૧. વર્ષાઋતુ
આપણાં દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી પડે છે. ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે. વર્ષા આપતી ઋતુ એટલે વર્ષાઋતુ. વર્ષાઋતુને ઋતુઓની રાણી કહે છે.
અષાઢ માસથી વર્ષાઋતુની શરૂઆત થાય છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જાય છે. વાદળોનો ગડગડાટ થાય છે. વીજળી ચમકારા કરે છે. ઠંડો ઠંડો પવન ફૂંકાય છે અને વરસાદ વરસે છે. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જાય છે. સહુને આનંદ આનંદ થઈ જાય છે.
વર્ષાઋતુમાં મોર ખુશ થઈને ટહુકા કરે છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ‘ડ્રાઉં, ડ્રાઉં’ કરે છે.
વરસાદ પડતા જ ખેડૂતો ખુશ થઈ જાય છે. તેઓ ખેતરે જાય છે અને વાવણી કરે છે. વર્ષાઋતુમાં ખેતરો પાકથી લીલાછમ બની જાય છે. ધરતી પર લીલું લીલું ઘાસ ઊગે છે. ધરતી માતાએ જાણે કે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે.
વરસાદ પડતાં નદી, નાળાં, તળાવ છલકાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. ઘણીવાર વધુ વરસાદ પડતાં નદીઓના પાણી આજુબાજુના ગામોમાં ફરી વળે છે અને લોકોનાં જાનમાલને નુકસાન થાય છે.
વર્ષાઋતુ બાળકોની પ્રિય ઋતુ છે. બાળકો વરસતા વરસાદમાં ન્હાવા માટે નીકળી પડે છે. પાણીમાં છબછબિયાં કરવાની તેમને ખૂબ મઝા પડે છે. કાગળની હોડીઓ બનાવી તેઓ પાણીમાં તરતી મૂકે છે. બાળકો આનંદથી ગાય છે :
‘આવરે વરસાદ ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાંનું શાક !’
વરસાદ એ ઈશ્વરનું વરદાન છે. જો વરસાદ ન પડે તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. તેવે વખતે અનાજ, પાણી અને ઘાસચારાની અછત વર્તાય છે.
વર્ષાઋતુ ધરતીને શોભા અને સમૃદ્ધિ આપે છે. વર્ષાઋતુ પશુ, પંખી અને માનવીને ખૂબ ઉપયોગી છે.
૨. શિયાળો
આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ અનુભવાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી પડે છે. ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે.
શિયાળો ઠંડીની ઋતુ છે. દિવાળીનો તહેવાર પૂરો થતાં ધીમે ધીમે ઠંડી પડવાની શરૂઆત થાય છે. લોકો ઠંડીથી બચવા ગરમ ઊનના વસ્ત્રો પહેરે છે. ગામડાંઓમાં ઠંડીને ઉડાડવા તાપણાં કરવામાં આવે છે. કેટલાક લોકો સૂર્યના તાપમાં બેસીને ઠંડી ઊડાડે છે. રાત્રે લોકો ધાબળાં ઓઢીને સૂઈ જાય છે.
શિયાળામાં સવારનો સમય સ્ફૂર્તિ દાયક હોય છે. ઘણાં લોકો શિયાળામાં સવારે ફરવા નીકળે છે. કેટલાંક દોડે છે. લોકો કસરત પણ કરે છે.
શિયાળામાં કેટલાક લોકો જુદા જુદા પાક આરોગે છે. ગુંદરપાક, કોપરાપાક, મેથીપાક અને સાલમપાક જાણીતા છે. કેટલાંક લોકો ગોળ અને કોપરાં પણ ખાય છે. એક કહેવત છે :
“જેનો શિયાળો સારો, તેનું આખું વરસ સારું”
શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. ઘણી જગ્યાએ શિયાળામાં હિમવર્ષા પણ થાય છે.
શિયાળો એક ઉત્તમ ઋતુ છે.
૩. મારી મમ્મી
મને વહાલામાં વહાલી મારી મમ્મી છે. મારી મમ્મીનું નામ .................... છે.
મને મારી મમ્મી સવારે વહેલો જગાડે છે. દાંત સાફ કરવા, સ્નાન કરવું, પ્રભુને પ્રાર્થના કરવી - આવી સારી ટેવો મારી મમ્મીએ મને શીખવાડી છે. મારી મમ્મી સવારે ગરમ દૂધ પીવા આપે છે. દૂધ સાથે તે મને નાસ્તો પણ આપે છે.
મારી મમ્મી મને તૈયાર કરી સમયસર શાળામાં મોકલે છે. તે હાથ ઊંચો કરી મને વિદાય આપે છે. સાંજે ભણીને શાળામાંથી હું ઘેર આવું છું ત્યારે મારી મમ્મી મને આવકારે છે. તે મને વહાલથી હૈયે ચાંપે છે. તે મારા માથે પ્રેમથી હાથ ફેરવે છે.
મારી મમ્મી મને પાસે બેસાડી નિશાળનું લેસન કરાવે છે. તે મને ભણાવે છે.
મારી મમ્મી મને ભાવતી વાનગીઓ બનાવીને જમાડે છે. તે બજારમાંથી ફળો તથા બિસ્કિટ લાવે છે ને મને નાસ્તા તરીકે જમાડે છે.
મારી મમ્મી મારે માટે રમકડાં લાવે છે. તે વાર્તાઓની ચોપડીઓ પણ મારે માટે લાવે છે.
રાત્રે સૂઈ જતાં પહેલાં મારી મમ્મીને હું કવિતાઓ ગાઈ સંભળાવું છું. મારી મમ્મી મને નવાં નવાં ગીતો ગાતાં શીખવાડે છે. મારી મમ્મી મને મઝાની વાતો પણ કહે છે. હું મારી મમ્મીને ખૂબ ચાહું છું. મારી મમ્મી મને ખૂબ પ્રેમ કરે છે.
Comments
Post a Comment